દીવાન-બલ્લુભાઈ શાળા: અત થી ઇતિ

૬ જાન્યુઆરી,૧૯૦૮.

સ્વાભિમાનની જાળવણી કાજે અને કેળવણીને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાના આશય સાથે આજથી ૧૧૫ વર્ષ અગાઉ દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા(અસલની ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ)ની સ્થાપના થઈ હતી.

૧૯૦૭નો નવેમ્બર માસ. અમદાવાદની સરકારી મિડલ સ્કૂલમાં કાર્યરત બે શિક્ષકો શ્રી જીવણલાલ હરિપ્રસાદ દીવાન અને શ્રી બળવંતરાય પરમોદરાય ઠાકોર(બલ્લુભાઈ), શાળાના પ્રિન્સિપાલને મળવા ગયા, વિનંતી કરી કે અમારાં સંતાનોને આ શાળામાં અંગ્રેજી ફિફ્થમાં એડમિશન જોઈએ છે. પ્રિન્સિપાલે શ્રી દીવાનના ભત્રીજા ચિ. વજેન્દ્ર અને શ્રી બલ્લુભાઈના સુપુત્ર ચિ. નરેન્દ્રને એડમિશન માટે ધરાર ના પાડી દેતાં બંને શિક્ષકોને સ્વમાન ઘવાયાની લાગણી થઈ અને બંને શિક્ષકોએ શાળામાંથી રાજીનામાં ધરી દઈને પોતાની નવી શાળા સ્થાપવાનો નિર્ધાર કર્યો.પોતાની શાળાનું નામ આપ્યું: ધી પ્રોપ્રાયટરી હાઇસ્કૂલ.

અસલમાં તો ૧ જાન્યુઆરી,૧૯૦૮એ મગનભાઈની હવેલી, રાયપુર ખાતે શાળાનો પ્રારંભ થનાર હતો, પરંતુ શાળાના પ્રારંભના થોડાક દિવસો અગાઉ જ અચાનક આગ લાગી અને થોડીક બેંચો સળગી જતાં તાબડતોબ નવી બેંચોની વ્યવસ્થા કરવામાં આવી.છેવટે મસ્કતી માર્કેટમાં ૧૦૨ વિદ્યાર્થીઓ સાથે ૬ જાન્યુઆરી,૧૯૦૮એ શાળાનો આરંભ થયો અને ઉત્કૃષ્ટ કેળવણી સાથે શાળા ક્રમશ: આગળ ધપતી રહી.વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં ૧૯૧૩માં ત્રણ દરવાજા ખાતે આવેલી બેલેન્ટાઇનની હવેલીમાં શાળાનું સ્થળાંતર થયું.

૧૯૧૩માં એડવોકેટ શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ પોતાનાં સંતાનો મણિબહેન અને ડાહ્યાભાઈ સાથે મુંબઈથી અમદાવાદ સ્થાયી થતાં પરમ મિત્ર એડવોકેટ શ્રી ગણેશ વાસુદેવ માવલંકર (દાદાસાહેબ) થકી મિત્ર બનેલા શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મણિબહેનને એડમિશન અપાવ્યું.

૧૯૧૬નો મે માસ. અમદાવાદના લાલદરવાજાના મેદાનમાં ગાંધીજીની જાહેરસભા યોજાઈ હતી. નજીકમાં આવેલી ગુજરાત ક્લબમાં ત્રણ મિત્રો શ્રી વલ્લભભાઈ,શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈ મિત્ર શ્રી માવલંકરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈએ વલ્લભભાઈને આગ્રહ કર્યો કે શ્રી માવલંકર આવી જાય એટલે આપણે સૌ મિ. ગાંધીની સભામાં જઈને તેમને સાંભળીએ.શ્રી વલ્લભભાઈએ કહી દીધું: હું મિ. ગાંધીમાં માનતો નથી.મને એમની વાતોમાં રસ નથી. ચરખો કાંતવાથી અને સંડાસ સાફ કરવાથી કંઈ આઝાદી મળે નહીં.થોડાક સમયમાં શ્રી માવલંકર આવી જતાં શ્રી બલ્લુભાઈએ શ્રી વલ્લભભાઈને પુન:આગ્રહ કર્યો અને ચારેય મિત્રો શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીની સભામાં ગયા. કહેવાની જરૂર નથી કે સભાના અંતે ચારેય મિત્રો ગાંધી વાણીથી એટલા પ્રભાવિત થયા કે ગાંધીજીના ચુસ્ત અનુયાયી બની ગયા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા.

૫ સપ્ટેમ્બર,૧૯૨૦એ સ્વરાજ અને પૂર્ણ સ્વરાજની માંગણી સાથે ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળના પગલે ૧૯૨૧માં શાળાએ મુંબઈ યુનિવર્સિટી સાથેનું જોડાણ કાપી દઈને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાણ કર્યું.૧૯૨૨માં શાળામાં વિદ્યાર્થીઓની વિશેષ સંખ્યા થઈ હતી ૨૨૦૦,પરંતુ અંગ્રેજોના શાસનકાળમાં તે સમયે ગૂજરાત વિદ્યાપીઠ એ વૈધાનિક(statutory) યુનિવર્સિટી ન હોઈ મેટ્રિકની પરીક્ષા તેમજ કૉલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તકલીફ પડતાં વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડવા માંડતાં સંખ્યા ઘટીને માત્ર ૫૦ થઈ ગઈ. શાળાના કેટલાક સંનિષ્ઠ અને કુશળ શિક્ષકોએ શાળા છોડી દઈને પોતાની નવી શાળા સ્થાપી હતી. શાળાને આર્થિક સંકડામણ થતાં શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈએ શ્રી વલ્લભભાઈની સાથે ગાંધીજીને મળીને રજૂઆત કરતાં ગાંધીજીએ શાળા ટકતી હોય તો મુંબઈ યુનિવર્સિટી સાથે પુન:જોડાણ કરવાનું જણાવ્યું અને ૧૯૨૬માં શાળા મુંબઈ યુનિ. સાથે ફરીથી સંલગ્ન થઈ,પરંતુ શાળાને થયેલું અને થઈ રહેલું નુકસાન અપાર રહેતાં શ્રી દીવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી હોઈ શ્રી વલ્લભભાઈના પ્રયત્નોથી ત્યાંથી તેમજ શ્રી બલ્લુભાઈએ પોતાના વડીલબંધુ શ્રી ઠાકોરલાલ પરમોદરાય ઠાકોરના પ્રજાબંધુ પ્રેસમાંથી લોન લીધી(જેનો ઉલ્લેખ પાછળથી બનેલા ટ્રસ્ટડીડમાં છે), તે પણ ખૂટી પડતાં શ્રી બલ્લુભાઈનાં ધર્મપત્ની શ્રીમતી અતિલક્ષ્મીબહેન અને તેમના સુપુત્ર શ્રી નરેન્દ્રભાઈનાં ધર્મપત્ની શ્રીમતી સુમનબહેનનાં ઘરેણાં વેચવાં પડ્યાં.૧૯૩૦ની ૧૨ માર્ચે ગાંધીજીના નેતૃત્વ હેઠળ યોજાનાર દાંડી કૂચના પગલે શાળાની મિલકતો અંગ્રેજ સરકાર જપ્ત કરી દેશે, તેવી ભીતિ સર્જાતાં શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈએ ગાંધીજી(મો. ક. ગાંધી) અને સરદાર વલ્લભભાઈ પટેલની સલાહને અનુસરીને ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ રચીને પોતાની શાળાની સઘળી મિલકતો ટ્રસ્ટને હવાલે કરી.૧૯૩૦ના માર્ચમાં દાંડીકૂચ અગાઉના દિવસોમાં સાબરમતીના પટમાં મળેલી જાહેરસભામાં શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈએ સરદારશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીજીને ટ્રસ્ટડીડ સુપરત કર્યું હતું.ત્યારબાદ ૧૨મી માર્ચે દાંડીકૂચના આરંભ પછી તુર્તજ શ્રી દીવાન અને શ્રી બલ્લુભાઈ જેલનિવાસી થતાં વેંત અંગ્રેજ સરકારે શાળાને અમાન્ય જાહેર કરી.૧૯૩૨માં શાળાના આચાર્યો ફરી જેલનિવાસી થયા હતા.૧૯૩૩માં શાળામાં પ્રોવિડન્ટ ફંડ દાખલ કરવામાં આવ્યું હતું.૧૯૩૪માં શાળાનો રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતાં તેમજ મકાન માલિક દ્વારા ભાડા વધારાની માંગણી થતી રહેતાં શાળાના કાંકરિયા સ્થિત સ્થળે ૧૯૩૮ના જૂનમાં શાળાનું પોતાનું મકાન સરદારશ્રીની ઉપસ્થિતિમાં મુંબઈ રાજ્યના વડાપ્રધાન શ્રી બાલગંગાધર ખેરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.શાળાના વિદ્યાર્થીઓની પ્રાર્થના સભા તેમજ અનેકવિધ કાર્યક્રમો મોકળાશથી યોજી શકાય તે હેતુસર ઉદ્યોગપતિ મફતલાલ ગગલભાઈ પરિવાર તરફથી મળેલા માતબર દાનને પરિણામે સ્વ. પ્રાણસુખલાલ મફતલાલ હૉલનો સમાવેશ શાળાના મકાનમાં થઈ શક્યો હતો.

૧૯૩૯ની ૨૧ જાન્યુઆરીએ શ્રી બલ્લુભાઈનું દુઃખદ અવસાન થતાં ગાંધીજીએ સંદેશો પાઠવ્યો હતો: બલુભાઈનો દેહ ગયો પણ તેની સેવાનાં ચિન્હો તો સદાયને સારૂ રહેવાનાં છે.- મો. ક. ગાંધી,૨૬-૨-૩૯.

તો પરમ મિત્ર સરદાર પટેલે તો સ્વ.બલ્લુભાઈના જયેષ્ઠ પુત્ર શ્રી નરેન્દ્રભાઈને પાઠવેલા લાંબા પત્રમાં સાંપ્રત રાજકારણના ઉલ્લેખ ઉપરાંત લખેલું કે બલ્લુભાઈ વિના હું જાહેરજીવનમાં પ્રવેશ્યો જ ન હોત અને સફળ પણ ન થયો હોત.

પરમ સખા શ્રી બલ્લુભાઈના અવસાનનો કારમો આઘાત પહોંચતાં આચાર્ય શ્રી જીવણલાલ દીવાનને પક્ષાઘાત થયો હતો. પરિણામે મેનેજમેન્ટે વરિષ્ઠ શિક્ષક શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરને વહીવટમાં દેખરેખ રાખવા જણાવ્યું હતું.

૧૯૪૨માં કોમી રમખાણોને કારણે એલિસબ્રિજ-પાલડીથી આવતા વિદ્યાર્થીઓને કાંકરિયા આવવામાં મુશ્કેલી પડતાં શરૂઆતમાં હાલની ઉન્નતિ સ્કૂલ અને ત્યારબાદ પ્રીતમનગરમાં શાળાનો આરંભ થયો હતો.

૧૯૪૨ના ઓગસ્ટમાં હિન્દ છોડોની ગાંધીજીની હાકલને પગલે શાળા ૧૯૪૩ સુધી બંધ રહી હતી અને આચાર્ય શ્રી જીવણલાલ દીવાન(પક્ષાઘાત હોવા છતાં), શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર, શ્રી સુરેન્દ્ર બળવંતરાય ઠાકોર, શ્રી રાવજીભાઇ પટેલ અને શ્રી કૃષ્ણકાંત શાહ તથા વિદ્યાર્થીઓની પણ ધરપકડ થઈ હતી.

૧૯૪૭માં મુંબઈ રાજ્યના તત્કાલીન કેળવણી પ્રધાન દિનકરરાવ દેસાઈએ સહસ્થાપક શ્રી જીવણલાલ દીવાનને જણાવ્યું કે હવે તો આપણી સ્વદ્દેશી સરકાર આવી છે, તો હવે સરકારી ગ્રાન્ટ લેવાનું ચાલુ કરો.૧૯૪૭ની ૯મી ડિસેમ્બરે મુંબઈ સરકારના કેળવણી ખાતાએ ગ્રાન્ટ માટે શાળાને માન્ય કરી હતી.

૧૯૪૮માં સરદારશ્રીએ પોતાના ગાઢ મિત્ર બલ્લુભાઈની પ્રતિમાનું અનાવરણ એલિસબ્રિજમાં શેઠ મંગળદાસ ટાઉનહૉલની બાજુમાં આવેલી એમ. જે. લાઈબ્રેરીના પ્રાંગણમાં કર્યું હતું.

બંને સ્થાપકોની સ્મૃતિ ચિરંજીવ રહે તે હેતુસર ૧૯૫૨ની ૩૦મી નવેમ્બરે ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટની બેઠકમાં શાળાનું નામ બદલીને ‘દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા’ રાખવાનો પ્રસ્તાવ મૂકાતાં વેંત શ્રી દીવાને નારાજી પ્રગટ કરી, પરંતુ ઠરાવ સર્વાનુમતે પસાર થાય તે હેતુસર શ્રી દીવાને નામ બદલીને સંમતિ આપી હતી. તેના બીજા જ દિવસે એટલે કે ૧ ડિસેમ્બરે શ્રી જીવણલાલ હરિપ્રસાદ દીવાનનું દુઃખદ અવસાન થયું હતું.

ડિસેમ્બર,૧૯૫૨માં શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમાયા હતા.

૧૯૫૩ની ૧૭મી ઓક્ટોબરે મુંબઈ રાજ્યના કેળવણી પ્રધાન શ્રી દિનકરરાવ દેસાઈના હસ્તે પાલડી શાળાના પોતાના મકાનની ઉદ્દઘાટન વિધિ સંપન્ન થઈ હતી.

૧૯૫૭માં ૨૯ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી,૧૯૫૮ સુધી સુવર્ણજયંતી મહોત્સવ ભારે ઉમંગભેર યોજાયો હતો.

૧૯૬૦માં તત્કાલીન મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરની દીર્ઘદૃષ્ટિના પ્રતાપે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિની આવશ્યકતાને પારખીને ગુજરાતના કેળવણી પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈના હસ્તે કાંકરિયા સ્થિત શાળાના પ્રાંગણમાં અદ્યતન ટેક્નિકલ શાળાનું ઉદ્દઘાટન થયું હતું.આજે ખરેખર જરૂર છે, ત્યારે કમનસીબે ટેક્નિકલ શિક્ષણનું મહત્ત્વ ઘટી રહ્યું છે. જો કે હાલમાં કાંકરિયા સ્થિત શાળામાં, શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘અટલ લેબ’ના નિર્માણ અને જાળવણી માટે સરકાર માતબર રકમની ગ્રાન્ટ અને ટેક્નિકલ માર્ગદર્શન આપી રહી છે,જે સરાહનીય છે.

૧૯૬૫માં કાંકરિયા અને પાલડી સ્થિત શાળાઓમાં ધો.પાંચથી અંગ્રેજી શીખવવાનો મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરે આરંભ કરાવતાં ગુજરાત સરકારે દી. બ. શાળાઓની ગ્રાન્ટ અટકાવી દીધી,પરિણામે શાળાઓ કોર્ટમાં ગઈ પણ ત્યાં સુધી શાળાઓના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પગાર ચૂકવણી અને વહીવટી ખર્ચમાં મુશ્કેલી પડતાં તત્કાલીન વાલીઓએ પોતે નાણાં એકઠાં કરતા રહીને શાળાઓને ટકાવી રાખી. શાળાઓ કેસ જીતી જવાના પગલે સરકારે અટકાવેલી ગ્રાન્ટ મળી જતાં શ્રી ઠાકોરલાલ શ્રી.ઠાકોરની,વાલીઓને નાણાં પરત આપવાની વાત વાલીઓએ ફગાવી દઈને આ નાણાં ટ્રસ્ટમાં જ રાખવા જણાવી દીધું હતું.તે સમયે પ્રખર એડવોકેટો શ્રી ઈન્દ્રવદન માણેકલાલ નાણાવટી અને શ્રી પ્રબોધ દિનકરરાય દેસાઈ(જેઓ સમય વીતતાં દેશની જુદી જુદી હાઇકોર્ટોમાં જસ્ટિસ અને ચીફ જસ્ટિસ બન્યા હતા) કોઈ પણ ફી લીધા વિના શાળાઓ વતી હાઇકોર્ટમાં કેસ લડ્યા હતા.આજે અંગ્રેજીના શિક્ષણની અનિવાર્યતા માટે સ્વ.ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરને(ઠાકોરભાઈ પાંચમા) અચૂકપણે યાદ કરવામાં આવે છે.

સરકારી ગ્રાન્ટ પરની અનિવાર્ય નિર્ભરતાને હળવી બનાવી શકાય તેમજ પાયામાંથી જ ઉત્કૃષ્ટ કેળવણીનું સાતત્ય જળવાય તે હેતુસર ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટે જૂન,૧૯૬૬થી કાંકરિયા અને રાજનગર-પાલડી બંને સ્થળોએ સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

૧૯૮૧માં શ્રી બિપિનચંદ્ર જીવણલાલ દીવાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદેથી નિવૃત્ત થતાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેનપદે નિમાયા હતા,જે હોદ્દો તેઓએ ૧૨ માર્ચ,૨૦૧૨એ તેમના અવસાન પર્યંત નિભાવ્યો હતો.

૧૯૮૨-૮૩માં શાળાનો અમૃત મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો.

૧૯૮૬ના અંતમાં શ્રી ઠાકોરલાલ શ્રી. ઠાકોરે નાદુરસ્ત તબિયતને કારણે મૅનેજિંગ ટ્રસ્ટીપદેથી રાજીનામું આપતાં ૧૯૮૭ની ૧ જાન્યુઆરીએ શ્રી સુરેન્દ્ર બળવંતરાય ઠાકોર(કીકુજી) મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમાયા હતા, જે હોદ્દો તેઓએ ફેબ્રુઆરી,૧૯૯૪માં તેમના અવસાન પર્યંત જાળવ્યો હતો.

અંગ્રેજી માધ્યમની તાતી જરૂરિયાતને લક્ષમાં લઈને મેનેજમેન્ટે ૨૦૦૬ના જૂનથી કાંકરિયા અને પાલડી ખાતે ઇંગ્લિશ મીડિયમમાં ક્રમશઃ પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી સ્કૂલોનો આરંભ કર્યો હતો, જે આજે ધો.૧૨ સુધી પ્રશંસનીય રીતે કાર્યરત છે.

૨૦૦૭ અને ૨૦૦૮ એમ બંને વર્ષોમાં શાળાનો શતાબ્દી મહોત્સવ અત્યંત ઉત્સાહભેર ઉજવાયો હતો, જેમાં ટ્રસ્ટ હસ્તકની પ્રત્યેક શાળાના વિદ્યાર્થીઓએ વૈવિધ્યસભર અદ્વિતીય આઈટમોની બેનમૂન પ્રસ્તુતિ કરી હતી, જે અવિસ્મરણીય બની રહી હતી.

ગત ૧૧૫ વર્ષોમાં દીવાન-બલ્લુભાઈ શાળાઓએ હજારો વિદ્યાર્થીઓમાં ઉત્કૃષ્ટ શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું છે. દેશ-વિદેશમાં પથરાયેલા અસંખ્ય વિદ્યાર્થીઓએ પોતપોતાનાં ક્ષેત્રોમાં પોતાનાં નામ અજવાળીને અમીટ છાપ ઉપસાવી છે.

કાંકરિયાના પૂર્વ વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં, પોતાના ગુરૂ ઠાકોરલાલ શ્રી.ઠાકોરના નામના ભવનના પ્રથમ અને બીજા માળના નિર્માણ માટે તેમજ અલમનાઈ અસોસિએશને બાલમંદિરના તદ્દન નવા ગુરુદક્ષિણા ભવનના સર્જન માટે ખાસ્સું યોગદાન આપ્યું છે, તો હાલમાં આર્થિક રીતે નબળા વાલીઓની આર્થિક સ્થિતિ ચકાસીને અડધી ફી તથા કોરોનામાં વાલી ગુજરી ગયા હોય તો પૂરી ફી પણ ભરી દેવામાં આવે છે. આ માટે દેશ-વિદેશથી અસોસિએશનને માતબર રકમનાં દાન પ્રાપ્ત થઈ રહ્યાં છે.

સ્વ. જીવણલાલ દીવાન અને સ્વ. બલ્લુભાઈ ઠાકોરના અદભુત જીવનમંત્રો હતા:

સ્વમાન ખાતર ફના થતાં શીખજો.

સિંહ થજોઘેટાં ન થશો.

દીવાન-બલ્લુભાઈ શાળાના ૧૧૬મા સ્થાપના દિને લેનિનનું વાક્ય અત્યંત સૂચક બની રહે છે-

Give me four years to teach the children and the seed I have sown will never be uprooted. – Vladimir Lenin

(આલેખન: કૌશલ દિ. ઠાકોર,ટ્રસ્ટીદીવાન-બલ્લુભાઈ શાળાઓધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટઅમદાવાદ).